નવી દિલ્હી. દક્ષિણ દિલ્હીના છત્તરપુર વિસ્તારમાં રાધા સ્વામી સત્સંગ વ્યાસનું એક વિશાળ પરિસર આવેલુ છે. કુલ 300 એકરમાં ફેલાયેલા આ પરિસરમાં દુનિયાનું સૌથી મોટુ કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવી રહ્યું છે. પરિસરની અંદર 12.50 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલો એક શેડ છે, જેમાં કોરોના સંક્રમિતો માટે 10 હજાર બેડ લગાવવામાં આવ્યા છે.
અંદાજે 22 ફૂટબોલ મેદાનથી પણ મોટા વિસ્તારમાં બનતા આ કોવિડ સેન્ટરની અન્ય પણ ઘણી વિશેષતાઓ છે. તેની મુખ્યવાત એ છે કે, અહીં બનનાર મોટાભાગના બેડ કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવી રહ્યા છે. તે ખૂબ જલદી તૈયાર થઈ જાય છે અને તેનો ખર્ચ પણ ઓછો આવે છે. બીજી મહત્વની વાત એ છે કે, આ બેડને સેનિટાઈઝ કરવાની જરૂર નથી પડતી અને તે સંપૂર્ણ રીતે રિસાયકલ કરી શકાય છે.
પરિસરના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જુલાઈના પહેલાં સપ્તાહમાં આ જગ્યાને સંપૂર્ણ રીતે કોવિડ સેન્ટર તરીકે તૈયાર કરી દેવામાં આવશે. ત્યારપછી અહીં 10 હજાર દર્દીઓ રોકાઈ શકશે. તેમની સારવાર માટે અંહી 400 ડોક્ટર્સ અને 800 નર્સ હાજર રહેશે.
રાધા સ્વામી સત્સંગ વ્યાસના આ પરિસરના સચિવ વિકાસ સેઠીએ જણાવ્યું કે, આ પરિસરમાં 500થી વધારે શૌચાલય, એટલા જ યૂરિનલ અને અંદાજે 500 જેટલા પાક્કા સ્નાનાઘર છે. જરૂર પડશે તો નગર નિગમ દ્વારા મોબાઈલ ટોઈલેટની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

અહીં લગાવવામાં આવતા 10 હજાર બેડમાંથી 1 હજાર બેડ એવા હશે જેની સાથે ઓક્સિજન સિલિન્ડર પણ લગાવવામાં આવ્યા છે. તેની સાથે જ અહીં એક પેથોલોજી લેબ પણ બનાવવામાં આવી છે. તેમાં દર્દીઓના રિપોર્ટ સરળતાથી કરી શકાશે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, આ એક માત્ર એવુ કેન્દ્ર બનશે જે 20 હોસ્પિટલ જેટલું કામ કરશે, જ્યાં 500 દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
વિકાસ સેઠીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં અને ખાસ કરીને દિલ્હીમાં જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેને ધ્યાનમાં રાખીને જ અમે રાજ્યના ઉપરાજ્યપાલને આ પ્રસ્તાવ આપ્યો કે, આ પરિસરનો કોરોના કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવે. ત્યારપછી તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે વાત કરીને અહીંની કામગીરી શરૂ કરી.
આ પરિસરને કોવિડ સેન્ટર બનાવવામાં રાધા સ્વામી સત્સંગ વ્યાસનો કુલ ખર્ચ કેટલો થશે? આ સવાલના જવાબમાં વિકાસ સેઠીએ કહ્યું, હાલ તો આ આંકડો કહેવો મુશ્કેલ છે, પરંતુ ખર્ચ તો વધારે થશે. કારણ કે દરેક લોકો માટે જમવાની વ્યવસ્થા અમે જ કરવાના છીએ.

સત્સંગ સાથે જોડાયેલા સેવાદાર જણાવે છે કે, તૈયારીઓ પૂરી થયા પછી મેડિકલ સ્ટાફની સાથે નગર નિગમ અહીં સેનિટાઈઝેશનનું કામ કરશે, જ્યારે સુરક્ષાની જવાબદારી અર્ધસૈન્ય બળને આપવામાં આવી છે. તૈયાર થયા પછી આ કેન્દ્ર જ દિલ્હીમાં આવેલી કુલ બેડની સંખ્યાને લગભગ બમણી કરી દેશે.
દિલ્હીમાં તાજેતરમાં જ આનંદ વિહાર રેલવે સ્ટેશન ઉપર પણ 4000 દર્દીઓ માટે કોવિડ આઈસોલેશન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. જોકે છત્તરપુરનું આ કેન્દ્ર એટલું મોટું છે કે, અહીં બે બેડની વચ્ચે જોઈતી જગ્યા પણ રાખવામાં આવી છે. તે ઉપરાંત આજુ બાજુ પણ એટલા ઝાડ અને છોડ વાવેલા છે કે, અહીં ગરમી પણ કોઈ મોટો પડકાર નહીં હોય. આ સેન્ટરમાં પંખા ઉપરાંત કુલર લગાવવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 3630 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 56,746 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 2112 થઈ છે. સમગ્ર દેશની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં દેશમાં 15,413 નવા કેસ સામે આવ્યા છે અને કુલ 306 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4 લાખ 10 હજાર થઈ ગઈ છે અને કોરોનાથી મૃતકોની સંખ્યાનો આંક 13 હજારને પાર થઈ ગયો છે.
આ સંજોગોમાં છત્તરપુરનું આ નવું પરિસર તેની વ્યવસ્થાઓના કારણે થોડી રાહત તો આપશે જ. જોકે બીજી બાજુ દુનિયાનું આ સૌથી મોટું કોવિડ સેન્ટર આવનારી ભયાનકતાની ઝલક પણ દર્શાવે છે. સુવિધા ભલે ઘણી સારી હોય પરંતુ તે દ્રશ્ય તો ભયાનક જ હશે કે એક છત નીચે એક સાથે 10 હજાર દર્દીઓ એક જ સંક્રમણથી પીડાતા હશે.
0 Comments